મળમાર્ગના રોગો વિશે સામાન્ય જનમાનસમાં પ્રવર્તતા મુખ્ય પ્રશ્નો અને તેનું સહજ નિરાકરણ
ભુજ-કચ્છમાં મળમાર્ગના રોગો જેવા કે હરસ-મસા-ભગંદર-ફીશર-પાઇલોનિડલ સાઇનસ જેવા રોગો પર પ્રેકિટસ કરતા ૧૦ વર્ષ પુરા થઇ ગયા. આ દરમિયાન મળમાર્ગના રોગો વિશે લોક-જાગૃતિ માટે ઘણા જ કાર્યો કર્યા. હજારો દર્દીઓની સફળ સારવાર કરી છતાં દર્દીઓના મનના અમુક પ્રશ્નો એમને એમ જ અવિચલ રહયા. તો, આજે એ પ્રશ્નો પર પ્રકાશ પાડીએ…
પ્રશ્ન નં. ૧ : સાહેબ, એવું સાંભળ્યું છે કે હરસનું ઓપરેશન કરાવ્યા બાદ મળમાર્ગની રીંગ તૂટી જાય છે અને મળત્યાગ માટેનો કાબુ જતો રહે છે, એ સાચું છે ?
જવાબ : મિત્રો, કોમ્લીકેશન એ કોઇપણ ચિકિત્સાનો અસ્વીકાર્ય ભાગ છે. પણ, ચિકિત્સક જો સતેજ રહીને યોગ્ય રીતે શસ્ત્રકર્મ કરે તો કયારેય કોઇ પણ કોમ્પ્લીકેશન થતું નથી. સામાન્ય રીતે હરસના ઓપરેશનમાં આ પ્રકારની ઘટના કયારેય બનતી નથી.
પ્રશ્ન નં.ર : સાહેબ, હરસ-મસા-ભગંદર-ફીશર આ બધી અલગ-અલગ બિમારીઓ છે કે સરખી ?
જવાબ : રચના અને સંપ્રાપ્તિની રીતે એકબીજા સાથે વત્તા ઓછા અંશે સંકળાયેલા હોવા છતાં આ બધા જ રોગો અલગ-અલગ છે, એવું કહી શકાય. એક વાકયમાં કહેવું હોય તો હરસમાં સામાન્ય લક્ષણ રક્તસ્ત્રાવ, ભગંદરમાં રસી થવી, ફીશરમાં બળતરા થવી એ છે. જેમ જીભમાં ચાંદુ પડયું હોય અથવા દાંતમાં સડો થયો હોય ત્યારે અંતે પીડા તો મોઢામાં જ થાય છે, એમ આ દરેક બિમારી મળમાર્ગના સ્થાન પર થતી હોવાથી દર્દી માટે એકસમાન જેવી જ છે, એટલે જ મળમાર્ગના રોગોમાં ઓનલાઇન ટ્રીટમેન્ટ, ટેલીવિઝન ટ્રીટમેન્ટ કે મૌખિક કહેલા લક્ષણો પરથી ટ્રીટમેન્ટ ના કરાવવી અને યોગ્ય તપાસ બાદના નિદાન મુજબ જ સારવાર કરાવવી જોઇએ.
પ્રશ્ન નં.૩ : સાહેબ, હું એમ પૂછતો હતો કે સ્ત્રીઓને આ રોગ થાય ખરો ? મારી દિકરી તો માત્ર રર વર્ષની છે તો એને થોડીને ક્ષારસૂત્ર સારવારની જરૂર પડે ?
જવાબ : મિત્રો, અમારી હોસ્પિટલમાં સ્ત્રી તેમજ પુરુષ દર્દીઓ મળમાર્ગના રોગો માટે સમાન દરથી સારવાર માટે આવે છે. એટલે કે, પુરુષો અને સ્ત્રીઓ એમ બંનેને આ પ્રકારની બિમારી થઇ શકે. વાત રહી ઉમરની તો અમે ૩ વર્ષના બાળકનું પણ ભગંદરનું ઓપરેશન કર્યું છે અને ૯૫ વર્ષના બા નું હરસનું ઓપરેશન કર્યું છે. એટલે કે માત્ર સમજવા જેવુ એટલું જ છે કે દર્દીના જેન્ડર કે ઉમર કરતાં તેના રોગની સ્થિતિ ખૂબ જ મહત્વની છે.
પ્રશ્ન નં.૪ : સાહેબ, રહેણી-કરણી અને ખાધા-ખોરાકીની અસર આ રોગોમાં કેટલી રહેતી હોય ?
જવાબ : સર્વપ્રથમ તો એ સમજવા જેવી વાત છે કે મળમાર્ગના રોગો પણ ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની જેમ જ મહદઅંશે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર જ છે. એટલે કે, રોગ થવા માટે વ્યકિતની રહેણી-કરણી અને ખાધા-ખોરાકી ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે અને રોગની સારવાર દરમિયાન એ ચિકિત્સા તરીકેનો મહત્વનો ભાગ ભજવે છે. વ્યકિતએ પોતાની પ્રકૃતિ, તે
કયા પ્રદેશમાં રહે છે અને કયા પ્રકારની ઋતુ અને આબોહવા છે એ દરેકનો વિચાર કરીને આહાર-વિહાર કરે તો આ રોગોથી બચી પણ શકાય છે.
પ્રશ્ન નં.૫ : સાહેબ, ભગંદરનું ક્ષારસૂત્રવાળું ઓપરેશન કઇ સીઝન(ઋતુ)માં કરાવાય ?
જવાબ : આનો સીધો અને સરળ જવાબ એટલો જ છે કે, જેમ રોગ થવા માટેની કોઇ નિશ્ચિત ઋતુ નથી એમ એની સારવાર માટેની પણ કોઇ ઋતુ નથી. ભગંદરનો રોગ જયારે થયો હોય છે, ત્યારે જ વહેલી તકે એની ક્ષારસૂત્ર સારવાર કરાવાય. કારણ કે, તમે રોગને વધવા માટે જેટલો સમય આપશો એટલો જ વધુ સમય એને મટાડવા માટે લાગશે.
ટૂંકમાં, આ પાયાના પ્રશ્નોની નાનકડી ચર્ચા આપણે અહીં મૂકી, આમ તો આ દરેક પ્રશ્નોનો મુદ્દાસર જવાબ આપીએ તો એ દરેક, એક આર્ટિકલ સમાન થઇ રહે. મિત્રો, ભુજ-કચ્છમાં માત્ર મળમાર્ગના રોગો પર કાર્યરત સૌથી જૂના તબીબ તરીકે હું એટલું ચોકકસ કહીશ કે કોઇપણ રોગ એ માનવ માટે શત્રુ સમાન છે, એને જેટલો વહેલો ડામવામાં આવે એટલું સારું. તો, શરમ – સંકોચ – બીક – અવિશ્વાસ જેવી લાગણીઓથી દૂર રહીને પોતાના શત્રુ પર વિજય મેળવવા માટેનું પહેલું પગલું જાતે જ ભરીએ અને પોતાની સવાર સુખરૂપ બનાવીએ.