પાઇલ્સ: સેલ્ફ મેડીકેશન v/s પ્રોપર ટ્રીટમેન્ટ
આમ તો સમજી શકાય એવું જ છે કે, કોઈ પણ બીમારી માં બીમારી ને જાણ્યા – જોયા કે સમજ્યા વિના જાતે જ દવા લેવી કેટલા ખતરનાક પરિણામ લાવી શકે છે.પરંતુ, પાઈલ્સ માટે આ લેખ લખવો વધારે સાર્થક છે કારણકે, આજે પણ મળમાર્ગ ની બીમારીઓ થી પીડાતા ૩૦-૪૦% દર્દીઓ કોઈ પણ પ્રકાર ના પ્રોપર કાઉન્સેલિંગ – નિદાન તપાસ કે ડોક્ટર ની સલાહ ની અપેક્ષા રાખ્યા વગર જ જાતે જ દવાઓ લેતાં હોય છે.સામાજિક રીતે એવી માન્યતાઓ પ્રવર્તે છે કે, હરસ – મસા – ભગંદર જેવી બિમારીઓ માટે ડોક્ટર ને બતાવવાની કોઈ જ જરુર નથી અથવા કાળક્રમ થી સાંભળેલી અમુક નિશ્ચિત દવાઓ જાતે લઈને કાયમ લીધા કરવી ( સહન થાય ત્યાં સુધી).આનાથી એટલા ગંભીર પરિણામો ઉદભવતા હોય છે એના નાના ઉદાહરણો જોઇએ…
એક ૧૬ વર્ષ નો કિશોર વાગડ પંથક માંથી એના પિતાજી જોડે બતાવવા આવે છે. દર્દી ને અવારનવાર મળમાર્ગ માંથી રક્તસ્રાવ ની સમસ્યા હતી. તકલીફ ને આશરે વરસ જેવુ થવા આવ્યું હતું અને આ નાની ઉંમર માં બીજું તો શું હોય એવું વિચારીને તેઓ એમના ગામ ના મેડિકલ સ્ટોર માંથી જાતે દવાઓ લઇને સ્વ- ઉપચાર કરતા હતાં. ગામ ના કોઇક સજ્જન વ્યક્તિ કે જેઓ ના પરિવાર ના લોકો અમારી ચિકિત્સા થી સ્વસ્થ થયા હતા એમણે આ પિતા – પુત્ર ને અહી અમારી પાસે સારવાર અર્થે મોકલ્યા. પ્રાથિમક તપાસ માં જ એ કિશોર ને આંતરડા માં ચાંદા હોય એવું પ્રતીત થયું. વધુ તપાસ કરાવતા એને ULCERATIVE COLITIS ( આખા આંતરડા માં અસંખ્ય ચાંદા) નામની ગંભીર બીમારી હોવાનું નિદાન થયું. એ દર્દી ને બીમારી મુજબ યોગ્ય તબીબ પાસે મોક્લી આપ્યા. આશરે ૧.૫ થી ૨ વર્ષ ની સારવાર બાદ દર્દી અત્યારે સ્વસ્થ છે પણ આહાર વિહાર માટે ઘણી મર્યાદાઓ એણે રાખવી પડશે.
આવુ જ એક બીજું ઉદાહરણ જોઈએ.
એક ૪૫ વર્ષ ના યુવાન એમની પત્નિ સાથે પટેલ ચોવિશી વિસ્તાર થી બતાવવા આવ્યાં. યુવાન ના પત્નિ અમારે ત્યાં ૪-૫ વર્ષ પહેલાં ક્ષારસુત્ર સારવાર કરાવી ચૂક્યા હતા, અને તેઓ સારવાર બાદ અત્યંત ખુશ અને સ્વસ્થ હતાં. યુવાન ને મળમાર્ગ માં વારંવાર રક્તસ્રાવ સાથે અસહ્ય પીડા થતી હતી. એ સાથે એમને વજન ઘટ્યું હોય અને અશક્તિ રહેતી હોય એવું લાગ્યા કરતું હતું. બીમારી માટે ની ઉદાસીનતા અને પત્નિ નું વારંવાર કહેવા છતાં ગંભીરતા ના અભાવે ઘણા સમય થી બતાવવાનું ટાળતા હતાં. એમની તપાસ કરતા એમને મળમાર્ગ માં સહેજ અંદર ના ભાગ ( Lower Rectum ) માં ગાંઠ જેવો ભાગ મેહસૂસ થતો હતો. વધુ તપાસ કરાવતા અને એ ગાંઠ ની Biopsy Report કરાવતા એ Malignancy એટલે કે કેન્સર ની ગાંઠ હોવાનું નિદાન થયું. દર્દી ને ભૂજ ના કેન્સર નિષ્ણાંત પાસે મોકલ્યા અને એ માટે યોગ્ય અને પધ્ધતીસર ની સારવાર નું માર્ગદર્શન પુરૂ પાડ્યું. આજે તેઓ તેમની કેન્સર ની બીમારી થી સ્વસ્થ છે, પરંતુ Colostomy ( આંતરડું પેટ વાટે જ એક કોથળી માં ખાલી કરવાનું) પ્રોસીજર ને લીધે ઘણી જ દુવિધાઓ નો સામનો કરે છે.આ જે કિસ્સા લખ્યા છે એ તો માત્ર યાદ આવ્યાં એ ઉદાહરણ છે, આવી ઘટનાઓ રોજ બરોજ ની પ્રેક્ટિસ માં અમારે ત્યાં બનતી હોય છે. ના જાણે કેટલાય દર્દીઓ કોઇક ની સલાહ થી અકારણ દવાઓ નો જથ્થો પેટ માં પધરાવી ને સમય બર્બાદ કરી, બીમારી વધારીને આવતા હોય. મોટાં ભાગ ના દર્દીઓ અને એમને સલાહ આપનારા લોકો લક્ષણો ને મટાડવા પાછળ આંધળી દોડ માં પડ્યા હોય છે. બીમારી નું યોગ્ય નિદાન – બીમારી નો પ્રકાર – બીમારી ની સ્થિતિ અને એ મુજબ ની એ દર્દી માટે ની યોગ્ય સારવાર એમાં આ પ્રકાર ના લોકોને રસ જ નથી. અને એનું પરિણામ અંતે તેઓ ભોગવે છે.મિત્રો, ટૂંક માં સમજીએ તો ,
• મળમાર્ગ ના રોગ એટલે માત્ર પાઇલ્સ જ હોય એવું જરૂરી નથી.
• મળમાર્ગ અને તેની આસપાસ પાઇલ્સ- ફિશર – ફિસ્ટુલા ( ભગંદર) – પાઇલોનીડલ સાયનસ – કોલાઇટીસ – પ્રુરાઇટસ એની – મેલિગનન્સી જેવી ઘણી બીમારીઓ થતી હોય છે.
• કોઈ એક કે બે પ્રકાર ની દવાથી બધા જ પ્રકાર ના હરસ (પાઇલ્સ) મટી જતા નથી
• બીજી બીમારીઓ ની જેમ મળમાર્ગ ના રોગો ની સારવાર, બીમારી નો પ્રકાર – બીમારી ની અવસ્થા ( Stage) – દર્દી ની ઉંમર – દર્દી ને અન્ય કોઈ બીમારી છે કે નહિ – દર્દી ની રહેણી કરણી – અને બીમારી મુજબ યોગ્ય સારવાર ની પસંદગી….. આટલી અપેક્ષા રાખે છે
• આ બીમારીઓ કોઈ પણ ઉંમરે થઈ શકે છે
• આ બીમારીઓ સ્ત્રી – પુરુષ બંને ને સમાન રીતે થઈ શકે છે
• જેમ અન્ય બીમારી ના નિષ્ણાંત ડૉક્ટર હોય એમ હરસ-મસા-ભગંદર અને અન્ય મળમાર્ગ ની તકલીફો માટે એના નિષ્ણાંત ડૉક્ટર ને બતાવવાનો આગ્રહ રાખવો
• પાઇલ્સ-ફિશર-ફિસ્ટુલા જેવી મળમાર્ગ ની બીમારીઓ નું સમયસર નિદાન અને યોગ્ય સારવાર કરવામાં આવે તો ચોક્કસપણે કાયમ માટે મટી શકે છે.અમે પરમાર્થ હોસ્પીટલ ના ડોક્ટર્સ આ પ્રકાર ની બીમારીઓ ની સારવાર માટે કટિબદ્ધ છીએ. અને એ માટે ક્ચ્છ ના છેવાડા ના વ્યક્તિ સુધિ પહોંચી શકાય એ માટે #PILES FREE KUTCH અભિયાન અંતર્ગત અત્યાર સુધી ૪૨ કેમ્પ નું આયોજન કરી ચૂક્યા છીએ. અને ૧૩ વર્ષ ની વ્યાવસાયિક કારકિર્દી માં ૨૫,૦૦૦ થી વધુ દર્દીઓ ની સફળ સારવાર કરી ચૂક્યા છીએ.તો, મિત્રો હરસ-મસા-ભગંદર જેવી મળમાર્ગ ની બીમારીઓ વિશે અંતે હું એટલું જ કહીશ કે, દર્દી ની સવાર સુધારવાની સારવાર ચોક્કસ અમારા હાથ માં છે પરંતુ એ સારવાર માટે નો નિર્ણય તો દર્દી ના જ હાથ માં છે…..
….. અસ્તુ —
ડૉ. મેહુલસિંહ ઝાલા
મો: 9510855859
( હરસ-મસા-ભગંદર ના નિષ્ણાંત)
પરમાર્થ હોસ્પીટલ, ભુજ